Tuesday 31 May 2011

મારી નોટબુકમાંથી મારીજ એક કવિતાનો ડ્રાફ્ટ

પ્રિય મિત્રો,

કૈક નક્કર વાંચન સામગ્રી તમારી સાથે શેર કરવાના બદલે મારીજ એક કવિતાનો ડ્રાફ્ટ, આશા છે ગમશે- અને ન ગમે તો લખશોજ,  એવી ખાતરી છે.  ટૂંક સમયમાં ફરીથી મળીશ એ નક્કી!

આપનો,
-પીયૂષ.


ભોયતળિયાનું બીજ  

પવન- પ્રકાશની જેને ઓથ નથી
એ વનસ્પતિ છું

માટી જેને જગા આપે, ખમતીધર ટેકો આપે
આકાશ જેને આવકારે, ગમ્મત કરે
પતંગીયું જેની ડાળે બેસે
પંખીઓ માળો કરે
વસંત ઓળઘોળ વીંટળાઈ જાજરમાન કરે
એ મારી ફિતરત નથી

અંધારું મારું સહચર
ઘણીય ઓથ મારે એની
એજ માટી ને એજ મારું આકાશ
એમાંજ  ફનગાવું, ફેલાવું
ને ફેન્દાઈ જવું
વીતક મારું બસ એજ

કોઈનું ખેતર, વગડો કે ઘરમાં
હું શોભું નહી

ભાષાના પેટાળમાં કૈક સળવળી
વિલુપ્ત થતી કવિતા જેવો હું

પવન-પ્રકાશ એને અડકે પણ - શા માટે!?

Friday 22 April 2011

અરુણ કમલ - આત્મકથા

પ્રિય મિત્રો,

અંતે આમ એકાએક શરૂઆત  કરી છે. વર્ષોથી છાવરી રાખેલું સપનું એક સવારે તમારા પર સવાર થાય ને તમને ઢસડી જાય એમ આ બ્લોગનું છે. એટલે પાશેરામાં પહેલી પૂણીની જેમ લો લખું મારા પ્રિય હિન્દી કવિશ્રી અરુણ કમલની કવિતા, આત્મકથા, ગુજરાતી અનુવાદમાં.

આપના સૂચનો આવકાર્ય, સર માથા પર.

તો ફરી મળીશું!    

આપનો,

-પીયૂષ



આત્મકથા / અરુણ કમલ

લેખક્ગૃહનું એકાંત નથી
ન અનુદાન-વૃતિ નો અભ્યાસ
જેટલી વારમાં સિઝશે  ભાત
એટલોજ બસ અવકાશ

ચાલતાં-ચાલતાં પહેરવી ચપ્પલ
પડતાં-હાંફતાં ઉપાડવો રાગ
ઉભા મંચ પર પાત્ર તય્યાર
શેષ હજીય લખવો સંવાદ

કેમ કરી ઓરસીયે ઘસું જાયફળ
ટીપું તેલ ને અઢળક ખોળ

(નોધ: કેટલાંક શબ્દાર્થો માટે કવિશ્રી અરુણ કમલ તેમજ કવિશ્રી કાનજી પટેલનો આભાર.)